“સાક્ષાત્કાર”

[simple-author-box]

આજથી ४५ વર્ષ પહેલાંની આ વાત છે. ત્યારે અમે બન્ને સરકારી હોસ્પિટલમાં મેડીકલ ઓફીસર હતાં. 3 દિવસની રજા મળતાં અમે ઉના-તુલસીશ્યામ નો પ્રવાસ ગોઠવ્યો. એ તરફ ક્યારેય ગયા ન હોઇ રાજકોટ-ઉનાની બપોરે 2.30 ની બસ પકડી અને સાંજે 5 થી 6 વાગે ઉના પહોંચવાની ધારણા રાખી પરંતુ અમારી ધારણા ઠગારી નીવડી. બસ પણ પેસેન્જર ટ્રેઈન ની જેમ દરેક નાનાં સ્ટેશનો કરતી જતી હતી. રાત ઘેરાતી હતી. ઉનામાં સરકારી ગેસ્ટહાઉસમાં સરકારી ઓફીસર ની રુએ રોકાવા મળી જ જશે તે ધરપત હતી.

રાત્રે 10.30 વાગે ઉના આવ્યું. ८ કલાક ની મુસાફરી નો થાક હતો. બસ એક ચોકમાં આવી ને ઉભી રહી અને કંડક્ટરે તે અંતીમ સ્ટેશન હોવાનું જણાવ્યું. અમે અને બીજા પાંચ સાત ઉતારુઓ ઉતર્યા. કંડક્ટર પાસેથી જાણવા મળ્યું કે સરકારી ગેસ્ટહાઉસ બાજુની શેરીમાં જ હતું. મનમાં હાશકારો કરતાં અમે ત્યાં પહોંચી રાત્રી ફરજ પરના સ્ટાફ ને પુછતાં તેણે નિરાશ કર્યા. સવારે કોઇ મોટા અમલદારો નું બુકિંગ થઇ ગયું હતું. સિવિલ હોસ્પિટલમાં સાહેબ, સાહેબ સાંભળવા ટેવાયેલા ત્યારે અમે લાચાર થઇ નજીકમાં કોઇ નાનકડી હોટલ હોય તો સારું એમ વિચારતા રાતના ઝાંખા પ્રકાશમાં ચોતરફ નજર કરવા લાગ્યા. બે વરસ ની મીનળ પણ ખભા ને ટેકે સુઇ ગઇ હતી. ઘોડાગાડી વાળા પુછવા લાગ્યા કે ” ક્યાં જવું છે સાહેબ.”. પણ સાહેબ ને ઉનામાં સમ ખાવા પુરતા પણ કોઈ સરનામા ની ખબર હોય તો ને !!

અચાનક ઝાંખા પ્રકાશ માં સાયકલ પર આવતા કોઇ પડછાયા તરફ મારી અછડતી નજર ગઇ.

પણ….પણ…. આ શું ? તે સાયકલ સ્વારે મારી સાવ નજીક આવી સાયકલ પરથી ઉતરતાં મને એકી શ્વાસે પુછ્યું ” ડો.. અંતાણી સાહેબ ને !!” સાંભળતાં જ અમારા બન્નેમાં આશાનો સંચાર થયો. કહ્યું ” હા, હું જ ડો.અંતાણી”. હાથમાં મીનળ ને જાણે તેડી જ નથી તેવી હળવાશ લાગી.

“મને ઓળખ્યો ?”

“ના, માફ કરજો”

” હું આપનો પેશન્ટ અરવિંદ ખાલપાડા !!”

“તમે? મારો પેશન્ટ? અહીં?”

હજી પણ અજાણી એવી એ વ્યક્તિ કહે “સાહેબ, “હું અરવિંદ ! યાદ છે ?”

“ગયા વર્ષે તમેજ મારા પગની રસોળી નું ઓપરેશન કરેલું. હું રાજકોટ આવેલો અને ઓચિંતો મારી રસોળીમાં પાક થતાં અસહ્ય દુ:ખાવો થવા લાગ્યો હતો અને આપે રસોળી નું ઓપરેશન કરી મને સાજો કર્યો હતો”.

મેં કહ્યું “એ બધું બરાબર પણ તમે અત્યારે રાતના 11 વાગે અહીં રસ્તામાં ક્યાંથી ?”

તે કહે ” મારા પત્ની ને અત્યારે સુવાવડ આવેલ છે અને હું તેને હોસ્પિટલમાં ચા આપવા જાઉં છું, તમારે ક્યાં જવું છે?”

મેં કહ્યું “અમને તો અહીની કાંઈ ખબર નથી. તું કોઇ સારી હોટલ હોય તો બતાવ”.

તે કહે ” આ ગામમાં તો એક નાની એવી હોટલ છે પણ આપ મારા ક્વાર્ટર્સ માં જઇ ને સુઇ જાવ ને”.

“અરે પણ અમને હોટેલ સુધી મુકી જા ને !! મેં કહ્યું.

અરવિંદ કહે ” જુઓ સાહેબ, મારા ઘરવાળા અને બા હોસ્પિટલમાં છે અને હું પણ રાત્રે ત્યાં જ સુઇ રહેવાનો”.

ઘણી સમજાવટ બાદ તે માન્યો અને અમને હોટેલ સુધી મુકી,શક્ય એટલી ભલામણ કરી અને જતાં જતાં કહે “યાદ છે મેં તમને ત્યારે કીધું તું કે હું અહીં સ્યુગર ફેક્ટરી માં છું અને એકવાર મારી ફેકટરી જોવા આવજો”.

અમે હોટેલમાં જ રાત રોકાયા. વહેલી સવારે તે હોટલ પર આવ્યો. અમે નિત્યક્રમ પતાવીએ ત્યાં સુધી રાહ જોઇ પછી કહે ” ચાલો હવે મારી ફેકટરી જોવા”. શેરડી માંથી ખાંડ કેવી રીતે બને છે તેની સવિસ્તર માહિતી અમે જોઇ તેના કરતાં વધારે રસથી તેણે બતાવી. ત્યાર બાદ સાથે ચા-પાણી કરી અમે આગળ તુલસીશ્યામ જવાની ઇચ્છા દર્શાવી તો કહે ” હું સાથે બધું બતાવવા આવું”.

માંડ માંડ તેને સમજાવ્યો કે અત્યારે તારા પત્ની ને તારી જરુર છે, તું અહીં જ રહે. અરવિંદ બસ સ્ટેશન સુધી સાથે આવ્યો. બસમાં બેસી તેને કહ્યું કે ” રાજકોટ આવે ત્યારે જરુર ઘેર મળવા આવજે”.

બસ ઉપડી. નજર પહોંચે ત્યાં સુધી, હજી પણ કંઇ સેવા આપવાનું રહી ગયું હોય તેવા ભાવે અમને જતાં તે એકીટશે જોઇ રહ્યો. અમે પણ શંખ-ચક્ર- ગદા કે પદ્મ વિનાના સાયકલ આરૂઢ ઇશ્વર ના દર્શન માણી રહ્યા ને દેખાય ત્યાં સુધી જોઇ રહ્યા.